ધીમે ધીમે ઓડીટોરીયમની લાઈટ્સ ઝાંખી થઈને વિરમી ગઈ. ગઢ અંધકાર થઇ છવાયો… પરદો ઉઘાડ્યો. નળાકાર લાંબી ટોપીઓ પહેરેલા કલાકારો પ્રગટ થયા. ગીત-સંગીત અને પ્રતિ ક્ષણે બદલાતી રંગબેરંગી લાઈટ્સ વચ્ચે એમણે સુફી ડાન્સ રજુ કર્યો. એ કલાકૃતિ માણતા ઓડીયન્સમાં ઘણાની આંખો ભીની થઇ ગઈ… આટલું વાંચીને તમે ભૂલતી પણ પણ વિચારો કે આમાં શી ધડ મારી? એ પહેલા કહી દઉં: એક્કે-એક ડાન્સર વ્હીલચેરમાં બેસીને ડાન્સ કરતો હતો, પરંતુ આ ડાન્સર્સનો ઉત્સાહ અને થનગનાટ કોઈ પણ શસક્ત કલાકાર કરતા અનેક ગણા વધુ હતા. જાણે ઉર્જાનો અખૂટ નાયગ્રા ધોધ! સ્વાધ્યાય કરતા બાળકોને એક શ્લોક અચૂક શીખવાય છે – મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગીરીમ્ યત્ત્કૃપા તમહં વંદે પરામાનંદ માંધાવામ્… જેની કૃપા મૂંગાને બોલતો, પાંગળાને પહાડ ચઢ્તો કરે છે એવા પરમ આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. આ શ્લોકને ચરિતાર્થ થતો જોવો હોય તો આ કહેવાતા દિવ્યાંગ બાળકોનો ભરતનાટ્યમનો પ્રોગ્રામ એકવાર અચૂક માણવો જોઈએ.
અરૂણીમા સિંહનો કિસ્સો તાજો છે. ઇન્ડિયન નેશનલ વોલીબોલ ટીમની ભૂતપૂર્વ પ્લેયર આ અરૂણીમાને લુંટવાનો પ્રયાસ કરનારા ટપોરીને જયારે એમ લાગ્યું કે એ સફળ નહિ થાય ત્યારે એને દિલ્હીમાં અરૂણીમાને દોડતી ટ્રેનમાંથી બહાર ફંગોળી દીધી. અરૂણીમાનો એક પગ ટ્રેન નીચે આવી ગયો. અરૂણીમાને બચાવી લેવા ડોક્ટરોએ એક પગ કાપી નાખવો પડ્યો. હોસ્પિટલના બિછાનેથી અરૂણીમાએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય લીધો અને પ્રોસ્થેટિક (કૃત્રિમ) પગ પહેરીને વર્ષ ૨૦૧૩માં દરિયાની સપાટીથી ૮,૮૪૫ ફૂટ ઉંચો એવરેસ્ટ સર કરી આવી. આ જેવી તેવી સિદ્ધિ નથી. જન્મજાત કે અરૂણીમાની જેમ આકસ્મિક, એકાદ અંગ ગુમાવનાર વ્યક્તિમાં પણ અખૂટ ઉર્જા હોય છે. એ હકીકત પુરવાર કરતી એક અદભૂત સંસ્થા ભારત સહીત દુનિયા આખીમાં સક્રિય છે – “એબિલીટીઝ અનલિમિટેડ.” એનો સરળ ભાવાર્થ આ લેખના હેડિંગમાં “અખૂટ કે આપર ઉર્જા” એવો કર્યો છે. કાખઘોડી સાથે કે વ્હીલચેરમાં બિરાજેલા કલાકારો જયારે સ્ટેજ પર ભરતનાટ્યમ શૈલીમાં રામાયણ કે મહાભારત પર આધારિત ડાન્સ-ડ્રામા રજુ કરે ત્યારે જોનારા સ્થળ-કાળનું ભાન ભૂલીને આંખોનો પલકારોય માર્યા વિના જોયા કરે છે. પ્રોગ્રામ પૂરો થાય અને પરદો પડે ત્યારે ઉભા થવાની પણ ઈચ્છા ન રહે એવો કલા-કસબ આ લોકો દેખાડે છે. કોણ કહેશે આ કલાકારો વિકલાંગ છે…? આવા કલાકારો સાચા અર્થમાં દિવ્યાંગ છે.
અહી એક ઔર વાત, એબિલીટીઝ અનલિમિટેડમાં જાણ્યે અજાણ્યે કોમી એખલાસ સિદ્ધ થઇ ચુક્યો છે. આ બધા કલાકારોને ભરતનાટ્યમ જેવી નૃત્યકલા શીખવનાર ગુરુજી પોતે મુસ્લિમ છે. ડોક્ટર સૈયદ પાશા એમનું નામ. મોટા ભાગના દિવ્યાંગ કલાકારો હિંદુ છે. આ લોકો માલિની રામાયણ – મહાભારત જેવા મહાકાવ્યોના પ્રસંગ રજુ કરે છે. આવો કોમી એખલાસ બીજે ક્યાં જોવા મળે! જો કે એબિલીટીઝ અનલિમિટેડ સંસ્થા માત્ર સંગીત – નૃત્ય આધારિત પ્રોગામો કરે છે એવું નથી. એ તો દરેક દિવ્યાંગને એની ખૂબી – ખામી ધ્યાનમાં રાખીને વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમ પણ કરાવે છે. જેથી સંબંધિત વ્યક્તિ સ્વમાનભેર રોજીરોટી રળી-કમાઈ શકે. આ સંસ્થાએ ઓછામાં ઓછા ડઝનેક વ્યવસાયિક અભ્યાસક્રમો તૈયાર કર્યા છે જે દરેક પ્રકારની શારીરિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને ઉપયોગી થઇ પડે. બીજો લાભ આ સંસ્થાને એક છે કે એ ન નફો ન નુકસાન ધોરણે ચાલતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય હોવાથી વૈચારિક ઉપરાંત સાધન-સામગ્રીના અદાન- પ્રદાનનો લાભ દુનિયાના દરેક નાના-મોટા અને વિકાસશીલ કે શ્રીમંત દેશ, બધાને મળી શકે. એજ રીતે અભી નાત-જાત,કોમ-ધર્મ કે ભાષા ભેદ વચ્ચે આવતા નથી. આ પણ બહુ મોટો લાભ ગણાય.
આમ એબિલીટીઝ અનલિમિટેડ એકાદ અંગવિહોણી વ્યક્તિ પણ કહેવાતા તંદુરસ્ત માણસ કરતાં જરાય ઉણી ઉતરતી નથી એવું પુરવાર કરવા ઉપરાંત અશક્ત વ્યક્તિના આત્મવિશ્વાસને ધીંગો બનાવી દે છે. પોતે કમજોર, કમનસીબ કે લાચાર છે એવું લોકો ક્યારેય માનતા નથી. કોઈ એમના પ્રતિ સહાનુભુતિ કે દયા દાખવી શકે એમ નથી. આ દરેક તરવરાટ એમનામાં રહેલી ઉર્જાને સતત વહેતી રાખે છે. પોતે સમાજનું એક અભિન્ન અંગ છે અને સ્વમાનભેર જીવે છે એવો આનંદ આ દરેક જિજીવિષાને બળકટ કરે છે. આ દરેક કલાકાર હરતી-ફરતી એક પ્રેરક સત્યકથા છે. દરેકનું જીવનકથા એક યા બીજા દરેક સંઘર્ષની વાત છે. સતત સંઘર્ષ કરીને આ લોકો સંજોગો સામે લડી રહ્યા છે. જ્વલંત જીત ન મળે તો કાઈ નહિ પરંતુ હારવું તો નહિ જ. જોરદાર લડત આપવી, જ જાણે એમનો જીવનમંત્ર છે. આપઘાત શબ્દ એમની ડિક્ષનરીમાં ગોત્યો જડે એમ નથી. જિંદગી જિંદાદિલીનું નામ છે. કાવ્યમાં કવિની ક્ષમા માંગવા સાથે થોડી છૂટ લઈને કહીએ – જંગ જીતવો પરમ સંતોષ કેરું ધામ છે…